- કાયદાઓનો છડેચોક ભંગ કરનારા સાંસદ પાટીલનું સભ્યપદ રદ કરો
- 5 હજાર રેમડેસીવીર ઇન્જેંકશનના મામલે શરૂ થયેલો વિવાદ વણસ્યો
- એ.આઇ.સી.સી.ના પૂર્વ મહામંત્રી અને મધ્યપ્રદેશના ઇન્ચાર્જે લોકસભા સ્પીકર સમક્ષ કરી માંગ
કોરોનાના કાળા કેર વચ્ચે સુરતમાં 5 હજાર રેમડેસીવીર ઇન્જેંકશનનો જથ્થો પોતાના કબ્જામાં રાખીને વેચાણ કરવાના ભાજપ પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી.આર. પાટીલના પગલાંનો ભારે વિરોધ થતો જાય છે. આજે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી ( એ.આઇ.સી.સી. )ના પૂર્વ મહામંત્રી અને મધ્યપ્રદેશના ઇન્ચાર્જ દીપક બાબરિયાએ પાટીલની કાયદાનો છડેચોક ભંગ કરવા બદલ તાત્કાલિક ધરપકડ કરીને તેમનું સભ્યપદ રદ કરવાની લોકસભાના સ્પીકર સમક્ષ માંગ કરી છે.
ભાજપ સરકારની સાથે કોરોનાની જીવનરક્ષક દવા રેમડેસીવીર ઇન્જેકશનનો ગેરકાયદે સંગ્રહ કરનારા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના ગુનાહીત કુત્ય સામે કોંગ્રેસના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ હાઇકોર્ટમાં રીટ અરજી કરી છે તે આવકારદાયક છે. અમને આશા છે કે, હાઇકોર્ટ ન્યાયતંત્રના પોતાના ઉચ્ચ આદર્શો અને સિધ્ધાંતોને ધ્યાનમાં રાખીને દેશના ન્યાયતંત્રમાં કાયદાની દ્દષ્ટિએ તમામ નાગરિકો સમાન છે તે સિધ્ધાંતનો અમલ કરી ભાજપના પ્રમુખ સામેની રીટમાં કોઇપણ ચમરબંધી કાયદાથી ઉપર નથી એવા લોકશાહી અભિગમને અનુરૂપ પોતાની ઉચ્ચ પ્રણાલિને વળગીને ગુણદોષના આધારે પ્રજાના હિતમાં ન્યાય આપશે. એક સાથે 5 હજાર ઇન્જેંકશનો ગેરકાયદે સંગ્રહ કરીને કોરોનાના દર્દીઓને બાનમાં લેવાનો ગુનો આચરનારા પાટીલ સામેની રીટમાં હાઇકોર્ટ દ્વારા ન્યાય મળવાની આશા રાખી છે.
તેમણે વધુમાં કહ્યું કે, ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ કોરોનામાં ડોકટરો દ્વારા અપાતાં ઇજેંકશન રેમડેસિવીરનો 5 હજારનો જંગી જથ્થો સંગ્રહ કરીને પોતે કાયદાની ઉપર છે એમ પુરવાર કરીને હું જ સરકાર મને પૂછનાર કોણ એવું વલણ બતાવીને પોતાની જ સરકારની કિંમત બે નહીં પણ એક કોડીની કરી નાંખી છે.