અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્મિત ઓક્સિજન પાર્ક, જિમ્નેશિયમ અને સ્વિમિંગ પૂલના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં અંદાજે રૂપિયા 1003 કરોડનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. અમદાવાદના ઉત્તર પશ્ચિમ ઝોનમાં આવેલ સિંધુભવન રોડ પર મોન્ટેકાર્લો ઓક્સિજન પાર્ક અને તળાવ તથા દક્ષિણ પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડમાં મકરબા ખાતે સ્વિમિંગ પુલ તથા જિમ્નેશિયમનું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ મકરબા ખાતે વૃક્ષારોપણ કરી મિશન થ્રિ મિલિયન ટ્રી અભિયાનમાં થયા સહભાગી
પી.પી.પી. પ્રોજેક્ટ હેઠળ તૈયાર થયેલ આ મોન્ટેકાર્લો ઑક્સિજન પાર્ક અને તળાવનું તથા મકરબા ખાતે સ્વિમિંગ પુલ અને જિમ્નેશિયમનું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિરીક્ષણ કર્યું હતું. આ સાથે જ, મકરબા વિસ્તારમાં આવેલા ઓપન પ્લોટમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે વૃક્ષારોપણ કરી મિશન થ્રી મિલિયન ટ્રી અભિયાનમાં સહભાગી થયા હતા અને હરિયાળા લોકસભા મતવિસ્તારની દિશામાં આગળ વધવા પ્રેરણા આપી હતી.મોન્ટેકાર્લો ફાઉન્ડેશન દ્વારા સંચાલિત 27,200 ચો.મી.માં ફેલાયેલા તથા 9 કરોડના ખર્ચે તૈયાર થયેલ આ ઓક્સિજન પાર્ક આસપાસના લોકોની સુખાકારી વધારશે. અમદાવાદ મ્યુ.કોર્પોરેશનના બિલ્ડિંગ પ્રોજેક્ટ ખાતા દ્વારા સ્પોર્ટસ પ્રવૃત્તિને વેગ આપવા માટે મકરબા ખાતે રૂ.11.38 કરોડના ખર્ચે 5433 ચો.મી.ના પ્લોટમાં વિવિધ સુવિધાઓ સાથેના સ્વિમિંગ પુલ અને જિમ્નેશિયમ પણ લોકાર્પિત કરવામાં આવ્યા હતા, જે લોકોના સ્વાસ્થ્ય માટે ઉપકારક નીવડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઓક્સિજન પાર્કથી શહેરનાં પર્યાવરણમાં સુધારો થશે, હવામાન શુદ્ધ થશે જ્યારે જિમ્નેશિયમ અને સ્વિમિંગ પુલનો સરખેજ, મકરબા અને વેજલપુર આસપાસના શહેરીજનોને લાભ મળશે. ઓક્સિજન પાર્કથી ક્લીન એન્ડ ગ્રીન સિટી તથા જિમ્નેશિયમ અને સ્વિમિંગ પૂલથી ઇઝ ઓફ લિવિંગનો મંત્ર પણ સાકાર થશે. આ લોકાર્પણ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, મંત્રી જગદીશ વિશ્વકર્મા અને અમદાવાદનાં મેયર પ્રતિભાબહેન જૈન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગદાની સહિત અમ્યુકોના પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં