રાજ્યમાં આગામી પાંચ વર્ષમાં ગ્રામ્ય સ્તરે આરોગ્ય સુવિધાઓનો વધુને વધુ વ્યાપ વધારાશે-આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ
રાજ્યની વિકાસ યાત્રાને વધુ વેગવાન બનાવવા નવીન વિઝન-ડોક્યુમેન્ટેશન સાથે એકશન પ્લાન બનાવી કામગીરી હાથ ધરાશે રાજ્યની સિવિલ હોસ્પિટલો, જિલ્લા કક્ષાની હોસ્પિટલો, સી.એચ.સી., પી.એચ.સી. સબ સેન્ટરોને આધુનિક સુવિધાઓથી સજ્જ કરાશે
રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને આરોગ્ય સવલતોનો વધુને વધુ લાભ મળે તે માટે આગામી પાંચ વર્ષમાં ગ્રામ્ય સ્તરે મળતી આરોગ્ય સવલતોનો વ્યાપ વધુને વધુ વધારવામાં આવશે.
ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી તરીકે વિધિવત પદભાર સંભાળ્યા બાદ, મીડિયાને વિગતો આપતા મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સહિત કેન્દ્રિય નેતૃત્વ દ્વારા જે વિઝન સાથે રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ કામગીરી કરવામાં આવનાર છે એ આજથી જ તમામ મંત્રી ઓએ શરૂઆત કરી છે. તેમણે ઉમેર્યુ કે, મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ સમગ્ર ટીમે આજથી જ કામગીરીની શરૂઆત કરી છે અને રાજ્યની અવિરત વિકાસયાત્રાને વધુને વધુ વેગવાન બનાવવા માટે આગામી પાંચ વર્ષમાં નવા વિઝન-ડોક્યુમેન્ટેશન સાથે એકશન પ્લાન બનાવીને કામગીરી હાથ ધરાશે. તેમણે કહ્યું કે, રાજ્યની સિવિલ હોસ્પિટલો, જિલ્લા કક્ષાની હોસ્પિટલો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા સબ સેન્ટરો ખાતે પૂરતા માનવબળ સહિત આનુષાંગિક સાધનો પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ બનાવાશે.મંત્રીશ્રી પટેલે ઉમેર્યું કે, રાજ્યમાં આરોગ્યલક્ષી સુવિધાઓનો વ્યાપ વધે એ માટે તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આરોગ્ય વિભાગના બજેટમાં ઉત્તરોત્તર વધારો કર્યો છે. જેના પરિણામે હાલ રાજ્યમાં તબીબી શિક્ષણ માટે ૬૭૦૦થી વધુ બેઠકો ઉપલબ્ધ છે. ઉપરાંત પોસ્ટ ગ્રેજ્યુએટની બેઠકોમાં પણ ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. જેના લીધે સુપર સ્પેશ્યાલીટી સારવારમાંપણ નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. રાજ્યના ચારેય ઝોનમાં સુપર સ્પેશ્યાલિટી સારવાર વધુને વધુ ઉપલબ્ધ બને તે આશયથી રાજ્ય સરકાર દ્વારા માસ્ટર પ્લાન બનાવીને સંપૂર્ણ તૈયારીઓ કરી દેવાઇ છે અને એ મુજબ કામગીરી હાથ ધરવામાં આવશે.આ પ્રસંગે પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહી મંત્રી ને શુભેચ્છાઓ પાઠવી હતી.