ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATS ગુજરાતે ગઈકાલે ઓખા પાસે એક પાકિસ્તાની ફિશિંગ બોટને ઝડપી પાડી હતી, જેમાં તપાસ કરતાં 300 કરોડનાં ડ્રગ્સ અને હથિયારો સાથે 10 પાકિસ્તાનીની ધરપકડ કરી લીધી છે
ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATS ગુજરાત દ્વારા છેલ્લા 18 મહિનામાં આ સાતમું સંયુક્ત ઓપરેશન છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 25 અને 26 ડિસેમ્બરે રાતના સમયે ICGએ ઈન્ટરનેશનલ મેરીટાઈમ બોર્ડર લાઇન (IMBL)ની નજીકના વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ICGS અરિંજય જહાજના ઝડપી પેટ્રોલિંગ કરનારને તહેનાત કર્યા હતા. ત્યારે સોમવાર વહેલી સવારે એક પાકિસ્તાની ફિશિંગ બોટ અલ સોહેલી ભારતીય જળસીમામાં શંકાસ્પદ રીતે ફરતી જોવા મળી હતી. ICG જહાજ દ્વારા પડકારવામાં આવતાં પાકિસ્તાની બોટે છળકપટનો દાવપેચ શરૂ કર્યો અને ચેતવણીના ભાગરૂપે ગોળીબાર પણ કરવામાં આવ્યો હતો. એમ છતાં બોટ અટકી નહીં, પરંતુ ICG જહાજે અંતે પોતાની ચાલાકીથી બોટ તેમજ 10 ક્રૂ-મેમ્બરની ધરપકડ કરી લીધી છે.