ખેતીપ્રધાન આંજણા ચૌધરી સમાજને પ્રાકૃતિક ખેતી અપનાવવા રાજ્યપાલશ્રીની અપીલ
જે સમાજમાં એકતા છે, યુવાનો શિક્ષિત અને વ્યસનમુક્ત છે એ સમાજ શિરોમણિ બને છે : શ્રી આચાર્ય દેવવ્રતજી
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના સોલૈયા ગામમાં આયોજિત વિશ્વ આંજણા ચૌધરી મહાસંમેલનને સંબોધન કરતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, જે કોમ-જાતિ કે સમાજમાં એકતા, સંગઠન અને ભાઈચારો છે, એકમેકને સહયોગી બનવાની ભાવના છે, જેમની યુવા પેઢી શિક્ષિત છે-વ્યસનથી મુક્ત છે એ સમાજ ઉન્નતિ કરે છે. નિશ્ચિત રૂપે શિરોમણિ બને છે. સોલૈયા ગામના વતની અને કેનેડામાં સ્થાયી થયેલા શ્રી રમણભાઈ રણછોડભાઈ ચૌધરીએ જ્ઞાતિજનોમાં શિક્ષણ અને સંસ્કારોનું સિંચન થાય, જ્ઞાતિજનો સંગઠિત થાય, વ્યસનોથી દૂર રહે અને દેશ, જ્ઞાતિ, ધર્મની ઉન્નતિ માટે પ્રવૃત્તિ રહે એવા પવિત્ર હેતુથી સોલૈયામાં ત્રિદિવસીય વિશ્વ આંજણા ચૌધરી મહાસંમેલનનું આયોજન કર્યું છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ પ્રસંગે આયોજિત હવનમાં આહુતિ આપી હતી અને દીપ પ્રગટાવીને મહાસંમેલન ખુલ્લું મૂક્યું હતું.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ યશ, કીર્તિ અને આર્થિક ઉપાર્જનની સાથોસાથ બાળકોને ભારતીય જીવન મૂલ્યો અને આદર્શ સંસ્કારો આપવા અનુરોધ કર્યો હતો અને કહ્યું હતું કે સંસ્કારી બાળકો સારા પરિવારનું નિર્માણ કરશે, પરિવાર સારો હશે તો સમાજ સારો બનશે, સારા સમાજથી જ રાષ્ટ્ર પ્રગતિ કરશે અને રાષ્ટ્ર પ્રગતિ કરશે તો આદર્શ વિશ્વનું નિર્માણ થશે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, જો વ્યક્તિ બાળપણથી જ સંઘર્ષશીલ, પરિશ્રમી અને કંઈક કરી છૂટવાની તમન્નાવાળો હોય તો પરમાત્મા પણ તેનો સાથ આપે છે. ગુજરાતના ટંકારામાં જ જન્મેલા સ્વામી દયાનંદ સરસ્વતીજી કહેતા, ‘પ્રત્યેક વ્યક્તિએ અન્યની ઉન્નતિમાં પોતાની ઉન્નતી સમજવી જોઈએ.’ આંજણા ચૌધરી સમાજના અગ્રણી શ્રી રમણભાઈ રણછોડભાઈ ચૌધરી સોલૈયા જેવા નાના ગામમાં જન્મ્યા, અહીં જ ભણ્યા-ઉછર્યા, અને આજે જે રીતે સામાજિક જવાબદારીઓનું નિર્વહન કરી રહ્યા છે એ જ તેમને મહાન બનાવે છે. તેમણે આંજણા ચૌધરી સમાજની એકતા અને સંગઠન માટે જે કામ કર્યું છે અને સમાજને આગળ લઈ જવા જે પ્રયત્નો કર્યા છે તેને અભિનંદન પાઠવું છું.
સારા વિચારો જ વ્યક્તિને ઉન્નત બનાવે છે. સારા સંસ્કારો અને સારી વિચારધારા વ્યક્તિની સૌથી મોટી પૂંજી છે એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, શ્રી રમણભાઈ ચૌધરી સમાજના હિત અને કલ્યાણ માટે આગળ આવીને સામાજિક જવાબદારી નિભાવી રહ્યા છે. આવો ભાવ પ્રત્યેક વ્યક્તિમાં પેદા થવો જોઈએ. એક-એક વ્યક્તિ મળીને સમાજ બને છે. આખી દુનિયાને આપણો પરિવાર માનીને સૌના કલ્યાણ માટે આપણે પ્રયત્નશીલ રહીએ એ જ આપણા ‘વસુધૈવ કુટુમ્બકમ્’ની સાચી વિભાવના છે.
‘આંજણા ચૌધરી સમાજ ખેતીવાડી સાથે જોડાયેલો છે. શાસ્ત્રોમાં પણ સૌથી ઉત્તમ ખેતી ગણવામાં આવી છે. વેદ પણ કહે છે, ‘મહેનતથી ખેતી કરો.’ કિસાન રાજાઓનો રાજા છે. ખેતી કામ સૌથી શ્રેષ્ઠ અને પવિત્ર કામ છે. ખેતીમાં નવી ટેકનીક જોડો. રાસાયણિક ખાતર છોડો અને પ્રાકૃતિક ખેતી અપનાવો’ એવું આહ્વાન કરતાં પ્રાકૃતિક ખેતી માટે હંમેશા પ્રયત્નશીલ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ખર્ચ ઓછું થશે, આવક બમણી થશે અને ધરતી માતા પવિત્ર થઈ જશે. પ્રકૃતિ જે રીતે જંગલમાં પોતાની કૃપા વરસાવે છે એ જ રીતે ખેતરમાં કૃપા વરસે એનું નામ પ્રાકૃતિક ખેતી; એમ કહીને તેમણે કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ખેડૂતોનું કલ્યાણ થશે.એક સાથે અનેક પાકોની ખેતી કરી શકાશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ પ્રાકૃતિક ખેતી અપનાવીને પર્યાવરણ, જમીન અને ધાન્યને ઝેરમુક્ત બનાવવા અપીલ કરી છે.સમસ્ત આંજણા ચૌધરી સમાજ પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે તેમણે અપીલ કરી હતી.
યુ.એસ.એ- કેનેડા સ્થિત સમગ્ર આંજણા ચૌધરી સમાજના પ્રમુખ અને મહાસંમેલનના મુખ્ય આયોજક શ્રી રમણભાઈ ચૌધરીએ પ્રાકૃતિક ખેતીના હિમાયતી અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, દેશ- વિદેશમાંથી પધારેલા આંજણા ચૌધરી સમાજના આગેવાન ભાઈ -બહેનોને આવકારતા કહ્યું હતું કે સમાજના સામાજિક અને આર્થિક વિકાસ માટે સંસ્કાર તેમજ શિક્ષણને વધુ પ્રાધાન્ય આપવું પડશે. સંગઠિત પરિવાર અને સમાજ થકી જ સાંસ્કૃતિક વારસાનું જતન અને સશક્ત રાષ્ટ્ર નિર્માણ કરી શકાય છે.
શ્રી ચૌધરીએ વ્યસન મુક્ત સમાજની કલ્પના કરતા કહ્યું હતું કે તંદુરસ્ત અને સમૃદ્ધ સમાજ માટે આજની યુવા પેઢી વ્યસન મુક્ત બને તે સમયની માંગ છે. સાદુ જીવન અને ઉચ્ચ વિચાર જ માનવીની પ્રગતિનો આધાર સ્તંભ છે. શ્રેષ્ઠ જીવન જીવવા માટે વ્યક્તિગત જીવન, પારિવારિક જીવન અને સામાજિક જીવન વચ્ચે સંતુલન જાળવવું ખૂબ જરૂરી છે. સમાજ- દેશની પ્રગતિ માટે ધન અને વિદ્યાનો સેવા તરીકે ઉપયોગ કરવો જોઈએ તેના દ્વારા જ ઉત્તમ સમાજ- રાષ્ટ્રનું નિર્માણ શક્ય બનશે તેમ જણાવી શ્રી ચૌધરીએ ઉપસ્થિત સૌ વડીલો, ભાઈઓ, બહેનોનો અને માતાઓનો વિશ્વ આંજણા મહાસંમેલનમાં સહભાગી થવા બદલ આભાર માન્યો હતો.
જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા અને ગુજરાતી સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરી વિશ્વ આંજણા મહાસંમેલનના સફળ આયોજન બદલ શ્રી રમણભાઈ ચૌધરી અને પરિવારને શુભેચ્છા આપતા કહ્યું હતું કે સમાજના સર્વગ્રાહી ઉત્થાન માટે એકતા અને ભાઈચારો જરૂરી છે. શ્રી રઘુવીર ભાઈએ સોલૈયા અને આજુબાજુના વિસ્તારના નાગરિકોને શ્રેષ્ઠ આરોગ્ય સુવિધા મળી રહે તે માટે એક આધુનિક હોસ્પિટલ અને રોજગારલક્ષી ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે ટેકનિકલ કોલેજ શરૂ કરવા શ્રી રમણભાઈ ચૌધરી અને તેમના પરિવારને સંકલ્પબદ્ધ થવા સૌના વતી આ પ્રસંગે અનુરોધ કર્યો હતો.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે વિવિધ ક્ષેત્રમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદાન કરનાર ચૌધરી સમાજના શ્રેષ્ઠિઓનું સન્માન પત્ર આપી અભિવાદન કર્યું હતું.
જેમાં જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા અને ગુજરાતી સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરી, પ્રાકૃતિક ખેતીના હિમાયતી શ્રી ગેનાભાઇ ચૌધરી, શેઠ શ્રી હરિભાઈ ચૌધરી, શ્રી અમરતભાઈ ચૌધરી, શ્રી મૂળજીભાઈ ચૌધરી, શ્રી પીથુભાઈ ચૌધરી, શ્રી રામજીભાઈ ચૌધરી,ગાયક શ્રી દિવ્યાબેન ચૌધરી, આ ઉપરાંત
સ્વ. જીવણભાઈ ચૌધરી, સ્વ. માનસિંગભાઈ ચૌધરી તેમજ સ્વ.મોતીભાઈ ચૌધરીના પરિવારજનોનું
સન્માન કરાયું હતું.
મહા સંમેલનના મુખ્ય આયોજક શ્રી રમણભાઈ ચૌધરીના ધર્મ પત્ની અને સમાજ સેવિકા શ્રી શારદાબેન ચૌધરીએ સમાજના ઉપસ્થિત સૌ આગેવાનો, વડીલો તેમજ ભાઈ -બહેનોનો આ પ્રસંગે અંતઃકરણ પૂર્વક આભાર માન્યો હતો.
માણસા તાલુકાના સોલૈયા ખાતે આયોજિત ‘વિશ્વ આંજણા મહાસંમેલન’માં વિદેશમાં તેમજ ગુજરાત સહિત દેશભરમાં વસાતા આંજણા ચૌધરી સમાજના આગેવાનો, ભાઈઓ- બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.