કરણી સેના ફરી એકવાર વિવાદમાં આવી છે. કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજ શેખવતનો જન્મદિવસ હોવાથી મોડી રાત્રે કરફ્યૂ સમયમાં ગાડીઓમાં લોકોએ રોડ પર નીકળી હોબાળો મચાવ્યો હતો. તેમના રહેણાંક જગ્યા પર રાત્રે નારા લગાવ્યા અને બુમો પડતા આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો રાત્રે કારમાં હોબાળો કરતા લોકોનો વીડિયો વાઇરલ થયો હતો. તાજેતરમાં જ કરણી સેનાના ગુજરાત પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ અને યુવા જનજાગૃતિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ઓળખ આપનાર રોનકસિંહ ગોહિલ સામે છેડતી, મારામારી અને ધમકીની ફરિયાદ નોંધાઈ હતી.
સોશિયલ મીડિયા પર કરફ્યુમાં રાત્રે હોબાળો કરતા લોકોનો વીડિયો વાઇરલ
શહેરમાં હજુ પણ રાત્રી કરફ્યુ યથાવત છે એને લોકોને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાના નિયમો પણ યથાવત છે તેવામાં કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજ શેખવતનો રવિવારે બર્થ ડે હોવાથી શનિવારે રાત્રે 12 વાગ્યે હરીદર્શન ચાર રસ્તા નજીકથી યુવકો કાર અને ટુવ્હીલર વાહનોમાં હોબાળો કરતા નીકળ્યા હતા. સુમસાન રસ્તા પર ચિચિયારીઓ પડતા લોકો નીકળતા લોકો પોતાના ઘરોમાંથી બહાર આવી ગયા હતા. ટોળુ એટલેથી રોકાયું નહિ અને રાજ શેખાવતના ફ્લેટની નીચે પણ જોર જોરથી નારા લગાવી બુમો પડતા લોકો ડરી ગયા હોવાની ચર્ચા હતી.જોકે આ અંગે નરોડા પોલીસને જાણ થઈ હોવા છતાં કોઈ કાર્યવાહી કરી ન હતી અને મામલો થાળે પાડી દેવા ધમપછાડા કર્યા હતા. જોકે આ અંગે ડીસીપી રાજેશ ગાઢિયાએ જણાવ્યું હતું કે, વીડિયો આધારે કાર્યવાહી કરીશું. જોકે પોલીસ આ મામલે ભીનું સંકેલવા પ્રયાસો હાથ ધર્યા હોવાની ચર્ચા છે.