પ્રથમ ગ્રામ સભા અને બાદમાં ચૂંટણી કરાશે સરપંચ પણ સભ્યની માફક મતદાન કરી શકે છે
ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામ બાદ દસક્રોઈ ટીડીઓએ દસક્રોઈ ના ૫૭ ગામોમાં 16 થી 21 તારીખે ગ્રામ સભા બોલાવી ઉપ સરપંચની ચુંટણી કરવા આદેશ આપ્યો છે.આ અંગે ટીડીઓના આદેશ મુજબ તારીખ મુજબ દરેક ગામમાં નવનિયુક્ત સરપંચ તેમજ સદસ્યોની ગ્રામ પંચાયત કચેરીએ પ્રથમ ગ્રામ સભા બોલાવવા આવી છે
તેમજ પ્રથમ ગ્રામ સભામાં ફક્ત ઉપ સરપંચની ચૂંટણી કરાવવા આદેશ અપાયો છે.
વધુમાં જણાવ્યું છે કે પ્રથમ ગ્રામ સભાનું અધ્યક્ષ સ્થાન સરપંચે સંભાળવાનું છે. જો સરપંચ અધ્યક્ષ સ્થાન ન સંભાળે તો તાલુકા પંચાયતના નિયુક્ત અધ્યાસી અધિકારીએ અધ્યક્ષ સ્થાન સંભાળી સંચાલન પણ કરવાનું રહેશે.
આદેશમાં સ્પષ્ટ જણાવાયું છે કે તાલુકા પંચાયતના નિયુક્ત અધિકારીને મત આપવાનો અધિકાર રહેશે નહીં. આદેશ મુજબ પ્રથમ સભામાં ઉપ સરપંચની ચૂંટણી સિવાય કોઈ કામગીરી કરી શકાશે નહીં.ઉપ સરપંચની ચૂંટણીમાં સરપંચ પણ સદસ્યની જેમ ઉમેદવારની દરખાસ્ત અને મતદાન કરી શકશે. ઉપ સરપંચની ચૂંટણીમાં સરખા મત પડે તો તાલુકા પંચાયતના અધિકારીની હાજરીમાં અધીકારી નક્કી કરે તે મુજબ ચિઠ્ઠી નાખી નક્કી કરી શકાશે.જરૂર જણાય તો પોલીસ રક્ષણ માગી શકાય તેમજ વીડિયોગ્રાફી પણ કરી શકશે. દસક્રોઈ તાલુકાના 61 ગામોના તલાટીઓ તેમજ 13 તાલુકા અધ્યાસી અધિકારીઓ તેમજ તાલુકાના દસક્રોઈ અસલાલી કણભા બોપલ સહિતના પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને પણ નિયમાનુસાર કામગીરી કરવા લેખિત પત્ર આપી જાણ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યુ છે