જીએલએસમાં મહિલા સશક્તિકરણ પર આંતરરાષ્ટ્રીય પરિષદ ભારતે ઋષિઓના સમયથી મહિલા સશક્તિકરણમાં ઘણું પ્રદાન કર્યું : પદ્મ શ્રી ઓગસ ઉદયન
આ પરિષદનું ઉદ્ઘાટન, GLS યુનિવર્સિટીના પ્રમુખ સુધીર નાણાવટીએ કર્યું હતું. પરિષદમાં મુખ્ય અતિથિઓ છે- ઇન્ડૉનેશિયાના બાલીના ઓગસ ઉદયન (પદ્મ શ્રી), અમેરિકાના અગ્રણી પ્રાધ્યાપક પ્રૉ. માર્ક લિન્ડલી, રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ભારતીય અભિનેત્રી રાજેશ્વરી સચદેવ અને જાણીતાં મહિલા સાહસિક અને પૉઇસિસનાં ડિરેક્ટર સુશ્રી બીના હાંડા. તેમનું આ પરિષદમાં સન્માન કરાયું હતું. વિવિધ સત્રોમાં ૨૦ અગ્રણી વક્તાઓએ તેમનાં વક્તવ્યોથી લોકોનું પ્રબોધન કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ ઓગસ ઈન્દ્રા ઉદયને તેમના પ્રવચનનો પ્રારંભ “ઓઉમ્ સ્વસ્તિ અસ્તુ”એ કલ્યાણ મંત્રથી પ્રારંભ કર્યો હતો અને ગુજરાતીમાં પૂછ્યું હતું, “કેમ છો? મજામાં?
ભારતે મહિલા સશક્તિકરણમાં ઋષિઓના સમયથી ઘણું પ્રદાન કર્યું છે. સંસ્કૃત શ્લોક છે કે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. તેમાં માતા કેમ પહેલાં આવે છે? પિતા કેમ નહીં? તેમણે કહ્યું કે ઋષિઓની વાણી આપણને પ્રેરણા આપે છે. ભારત એવી ભૂમિ છે જ્યાં ટેરેસા મધર ટેરેસા બને છે
ગાંધીજી અને નરેન્દ્ર મોદીએ મહિલા સશક્તિકરણમાં મોટું પ્રદાન કર્યું : નંદન ઝા, ગાંધી-મંડેલા ફાઉન્ડેશન મહિલાને કામના સ્થળે સ્વચ્છ બાથરૂમ મળવો જોઈએ : અભિનેત્રી રાજેશ્વરી સચદેવ
દિલ્લીમાં ગાંધી-મંડેલા ફાઉન્ડેશનના પ્રતિનિધિ નંદન ઝા જેઓ પોતે વકીલ પણ છે તેમણે કહ્યું કે રાજકુમાર શુક્લએ ગાંધીમાં રહેલા ગાંધીને ઓળખ્યા હતા. શરૂઆતમાં નહેરુ પણ ગાંધીથી પ્રભાવિત નહોતા થયા. તેમણે કહ્યું કે ઘણા ધર્મો સ્વર્ગમાં જવા શું કરવું તેનું કહે છે પણ આપણે ત્યાં કહેવાય છે કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરિયસિ. માતાને સ્વર્ગથી પણ મહાન માનવામાં આવી છે. ગાંધીજીએ મહિલાઓને ઘરની બહાર કાઢી હતી અને સ્વતંત્રતા આંદોલનમાં જોડી હતી. તે સમયે બાળ લગ્ન અને વિધવાઓની સ્થિતિ આ બંને બાબતો મહિલાઓ માટે અભિશાપ હતી. ઈ. સ. 1916માં તેઓ આ વિષયો પર બોલતા હતા. તે ખરું સશક્તિકરણ હતું. ગુજરાતે ગાંધી પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી આપ્યા છે જેમણે મહિલા સશક્તિકરણમાં મોટી ભૂમિકા ભજવી છે. કલમ 370 દૂર કરીને અને ત્રિ-તલાક દૂર કરીને આ કામ કર્યું છે. સારું જમવા ન મળ્યું હોય કે આવાં અન્ય ક્ષુલ્લક કારણસર મુસ્લિમ પતિ તેની પત્નીને તલાક આપી દેતો હતો. તે વિષય પર પગલાં લેવામાં 75 વર્ષથી કોઈને હિંમત થતી નહોતી પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ કામ કર્યું છે. કલમ 370 પણ આવું જ કામ છે. હમણાં એક ફિલ્મ આવી છે, કશ્મીર ફાઇલ્સ. તેમાં તો 40 ટકા જ દર્શાવ્યું છે. કાશ્મીરમાં મહિલાઓ પર ખૂબ અત્યાચાર થયો છે. કલમ 370 દૂર થવાથી તેમને ન્યાય મળશે.
જીએલએસ યુનિવર્સિટીના પ્રમુખ સુધીર નાણાવટીએ સર્વે અતિથિઓનો આભાર માનતા કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે આપણે ઘરે, કામના સ્થળે લૈંગિક સમાનતા સર્જીએ. સ્ત્રી બાળકને જન્મ આપે છે, તેથી તે પુરુષ કરતાં વધુ શક્તિશાળી છે. અમે જીએલએસ-ગાંધીયન સોસાયટી શરૂ કરી છે. એક વાર કોઈએ ગાંધીજીને પૂછ્યું કે તમે યુવાનોને શું સંદેશ આપશો તો તેમણે કહ્યું કે મારું જીવન એ જ મારો સંદેશ છે. તેમણે કહ્યું કે જીએલએસની સંસ્થાઓમાં મહિલાઓ વડા તરીકે છે અને અમે લૈગિક સમાનતા રાખીએ છીએ