અંગ્રેજ સલ્તનતને ઉખાડી ફેંકવા કોંગ્રેસ પક્ષના નેતૃત્વમાં સમગ્ર ભારતે હિંદ છોડોઅને પૂર્ણસ્વરાજ” ની ચળવળે ભારત દેશને આઝાદી અપાવી. : ડૉ. રઘુ શર્મા
મહાત્મા ગાંધીજીની કર્મભૂમી સાબરમતી ગાંધી આશ્રમ ખાતે સવારે 8-00 કલાકે ભારતના સ્વાતંત્રની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે આયોજીત “આઝાદી ગૌરવ યાત્રા”ને બાપુના પ્રિય ‘વૈષ્ણવજન’ સહિતના ભજન, પ્રાંતઃ પ્રાર્થના સભા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સંગઠન પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી ડૉ. રઘુ શર્માજી તિરંગા ધ્વજ ફરકાવી યાત્રાને પ્રસ્થાન કરાવતા જણાવ્યું હતું કે, અન્યાય અને દમનકારી અંગ્રેજ સલ્તનતને પૂજ્ય મહાત્મા ગાંધીજીએ 12મી માર્ચના રોજ “દાંડી યાત્રા” શરૂ કરી મીઠા પરના અસહ્ય કર નાબુદી કરવાની હાંકલ સાથે અંગ્રેજ સલ્તનતને લુણો લગાડ્યો હતો. ત્યારે મોંઘવારી, બેરોજગારી, પેટ્રોલ – ડીઝલના અસહ્ય ભાવ વધારામાં પીસાઈ રહેલી ભારતની જનતાને મુક્તિ અપાવવા અને અંગ્રેજોની જેમ મનસ્વી રીતે વર્તતા ભાજપ સરકારના સત્તાના પાયાને હચમચાવવા પૂજ્ય મહાત્મા ગાંધીજીના આશીર્વાદ લઈ સાબરમતીથી દિલ્હી સુધી 1200 કિ.મી. લાંબી “આઝાદી ગૌરવ યાત્રા”ની શરૂઆત થઈ હતી. આઝાદીના સ્વતંત્ર સંગ્રામમાં દેશના કેટલાય મહાનુભાવો,
પૂજ્ય મહાત્મા ગાંધીજીના આશીર્વાદ લઈ સાબરમતીથી દિલ્હી સુધી 1200 કિ.મી. લાંબી આઝાદી ગૌરવ યાત્રાની શરૂઆત થઈ.
આગેવાનો, યુવાનો, મહિલાઓએ પોતાના જીવની આહુતિ આપી છે. દેશને આઝાદી અપાવવા માટે ભગતસિંહ, સુખદેવ, રાજ્યગુરુ જેવા યુવાનોએ હસતા હસતા ફાંસીના માચડે ચડ્યા હતા. અંગ્રેજ સલ્તનતને ઉખાડી ફેંકવા કોંગ્રેસ પક્ષના નેતૃત્વમાં સમગ્ર ભારતે “હિંદ છોડો” અને “પૂર્ણસ્વરાજ” ની ચળવળે ભારત દેશને આઝાદી અપાવી. આઝાદી બાદ અંગ્રેજોને શરમાવે તેવી ખેડૂત, મહિલા અને યુવા વિરોધી નીતિઓ, નાતજાત અને વિશેષ કરીને ધર્મના નામે ભારતીઓને ઝઘડાવવાની નીતિ રીતિને ખુલ્લી પાડવા, મજબુતાઈથી વિરોધ કરવા કોંગ્રેસ પક્ષ કટીબધ્ધ છે.
ભારતની સ્વતંત્રતાની ૭૫ મી વર્ષગાંઠ નિમિત્તે યોજાનાર “આઝાદી ગૌરવ યાત્રા” ને પ્રસ્થાન કરાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, કોંગ્રેસ તેના વિરાસતના પાયામાં સેક્યુલરિઝમ અર્થાત્ બિનસાંપ્રદાયિકતા અને ધર્મનિરપેક્ષતાનું જતન કરીને રાષ્ટ્રીય સદભાવના અને કોમી એખલાસ સામેના ખતરાનો સામનો કરવા પ્રતિબદ્ધ છે. આપણે જે સ્વતંત્રતા માણી રહ્યાં છીએ તે આપણને અપાવવા માટે અસંખ્ય ભારતીયોએ પોતાના જાનની કુરબાની આપી છે. ભારત નિર્માણ માટે કોંગ્રેસ પક્ષના નેતૃત્વમાં આઈ.આઈ.ટી., આઈ.આઈ.એમ., એમ્સ, ઈસરો સહિતની સંસ્થાઓનું નિર્માણ થયું તેમજ ભારતીય નાગરિકોને હક્ક – અધિકાર મળે તે માટે રાઈટ ટુ ઈન્ફોર્મેશન, મનરેગા, અન્ન સુરક્ષા કાયદો, શિક્ષણનો કાયદો (આર.ટી.ઈ.), જંગલની જમીનનો કાયદો વગેરે જેવા કાયદાઓ બનાવવામાં આવ્યાં. જેના દ્વારા સશક્ત ભારત નિર્માણને આગળ ધપાવ્યું.
સાબરમતી ગાંધી આશ્રમથી પ્રસ્થાન કરેલી યાત્રા ગુજરાતના ૫ જીલ્લાઓમાં ૧૦ દિવસનો પ્રવાસ કરશે. સમગ્ર 1200 કિ.મી. યાત્રા ૫૮ દિવસ પૂર્ણ કરી ૧ લી જુન ૨૦૨૨ ના રોજ દિલ્હી ખાતે સમાપન થશે ગુજરાતના ૫ જીલ્લામાં “આઝાદી ગૌરવ યાત્રા” દરમિયાન આઝાદીમાં કોંગ્રેસપક્ષની ભૂમિકાને ટેબ્લોઈડ દ્વારા પ્રસ્તુત કરાશે. આઝાદી બાદ ૬૦ વર્ષમાં કોંગ્રેસપક્ષના યોગદાનની ઝલક પણ જોવા મળશે. યાત્રાની શરૂઆતમાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સ્થાનિક કલાકારો પરંપરાગત પરફોર્મન્સમાં ભાગ લેશે. જુદાજુદા સમુદાયને જોડવા માટે “અન્ન મિલે તો મન મિલે” ના વિચાર સાથે યાત્રા દરમિયાન દાતાઓ પાસેથી ભેગું કરેલા અન્નનો ભંડારો કરવામાં આવશે. ૧૦ દિવસની યાત્રા દરમિયાન જ્યાં રાત્રી રોકાણ કરશે ત્યાં દેશના રક્ષણ માટે આપેલ બલિદાનને સન્માનવા “એક શામ શહીદો કે નામ” કાર્યક્રમનું આયોજન થશે. સમગ્ર યાત્રા દરમિયાન “સંવિધાન બચાવો” ના નારાને ચરિતાર્થ કરવા સંવિધાનના આમુખની પત્રિકાઓ નાગરિકોને આપવામાં આવશે. આઝાદી ગૌરવ યાત્રા દરમીયાન ૧૦૦૦ થી વધુ પ્રશિક્ષિત સ્વયંસેવકો જોડાશે. યાત્રા દરરોજ ૬ થી ૭ ગામડામાંથી પસાર થઇ કુલ ૩૫૦ જેટલા ગામડાઓને જોડશે.
સાબરમતી ગાંધી આશ્રમથી પ્રસ્થાન થયેલ “આઝાદી ગૌરવ યાત્રા” માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી અર્જુનભાઈ મોઢવાડીયા, સિધ્ધાર્થભાઈ પટેલ, અમિત ચાવડા, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી સુખરામ રાઠવા, એ.આઈ.સી.સી.ના સેવાદલના અધ્યક્ષ લાલજી દેસાઈ વિધાનસભા કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણી, નરેશ રાવલ, એ.આઈ.સી.સી.ના સહપ્રભારી શ્રી બી.એમ. સંદિપ અને વિરેન્દ્રસિંહ રાઠોડ, એ.આઈ.સી.સી.ના નેતા ડી.પી. રોય, પૂર્વ કેન્દ્રીયમંત્રી ડૉ.તુષાર ચૌધરી, એ.આઈ.સી.સી.ના સોશીયલ મીડીયાના ચેરમેનશ્રી રોહન ગુપ્તા સહિત કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો, હોદ્દેદારો, આગેવાનો, યુથ કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ., મહિલા કોંગ્રેસ, સેવાદળ, ફ્રન્ટલના વડા ઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. આઝાદી ગૌરવ યાત્રાના પ્રસ્થાન પહેલા ઐતિહાસિક સાબરમતી ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થના સભા યોજાઈ હતી, સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોંગ્રેસ પક્ષના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ સંભાળ્યું હતું.