સોનું ગાયબ કર્યા પછી બેંકના ડેપ્યુટી મેનેજરે ફોન ઉઠાવવાનાં બંધ કરી ફોન સ્વીચ ઓફ કર્યો : બેંકના બ્રાંચ મેનેજરે ફરિયાદ નોંધાવી, દહેગામ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરીઃ બેંકના ડેપ્યુટી મેનેજર વિરૂદ્ધ ફરિયાદ
દહેગામની ICICI બેંકમાં સાત ગ્રાહકોએ ગોલ્ડ લોનની અવેજીમાં મૂકેલા રૂ. ૨૦.૫૦ લાખની કિંમતનું સોનું ગાયબ થઈ જતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે નવાઈની વાત તો એ છે કે સોનું ગાયબ કરવા પાછળ બેંકનો ડેપ્યુટી મેનેજરનો હાથ હોવા અંગેની ફરિયાદ બેંકના બ્રાન્ચ મેનેજર દ્વારા દહેગામ પોલીસ મથકમાં કરવામાં આવી છે.બેંકમાંથી ગોલ્ડ લેતાં ગ્રાહકો માટે ચેતવણી રૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર દહેગામની આઈસીઆઈસીઆઈ બેંકનાં બ્રાંચ મેનેજર સંદીપ ગુપ્તાએ નોંધાવેલી ફરિયાદ મુજબ બેંકમાં ડેપ્યુટી બ્રાંચ તરીકે ફરજ બજાવતા દિપક પ્રકાશભાઈ સોની (રહે. શાહીબાગ) એ તા. ૧૪ ફેબ્રુઆરી, ૨૦૨૨થી ૧૪ માર્ચ, ૨૦૨૨ દરમિયાન બેંકમાં સાત ગ્રાહકોએ મૂકેલા રૂ. ૨૦.૫૦ લાખની કિંમતનું સોનું સગેવગે કરી દેવામાં આવ્યું હતું.બેંકનાં સાત ગ્રાહકો દ્વારા અલગ અલગ પાઉચમાં ૫૫૪.૪૫ ગ્રામ સોનું બેંકમાં ગીરવે મૂકવામાં આવ્યું હતું
જેની સામે બેંક દ્વારા રૂ. ૧૪ લાખ ૬૮ હજાર ૫૯૫નું ધિરાણ કરવામાં આવ્યું હતું. આ સોનું ગાયબ કર્યા પછી બેંકના ડેપ્યુટી મેનેજરે ફોન ઉઠાવવાનાં બંધ કરી ફોન સ્વીચ ઓફ કરી દેવામાં આવ્યો છે. બેંક દ્વારા ઓડિટ કરવામાં આવતાં સમગ્ર કિસ્સો પ્રકાશમાં બહાર આવ્યોછે. આ મામલે દહેગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.